Tuesday, May 21, 2013

Clinical Trials: તબીબી ‌વિજ્ઞાનના નામે માનવતાની કતલ


Clinical Trials: તબીબી ‌વિજ્ઞાનના નામે માનવતાની કતલ

તબીબી સંશોધન માટે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની પ્રયોગશાળાઓમાં દર વર્ષે કરોડો પ્રાણીઓનું નિકંદન કાઢી નાખે છે, જેમાં આપણે ત્યાંથી નિકાસ થતા રહેલા રીસસ પ્રકારનાં વાંદરાની સંખ્યા કદાચ સૌથી નોંધપાત્ર હશે. વાંદરાની શરીરરચના માણસને ઘણે અંશે મળતી આવે છે, એટલે નવી દવાની અસરો તથા આડઅસરો જાણવા માટે પહેલી પસંદગી વાંદરાને અપાય છે. પ્રયોગમાં વપરાતાં બીજા સજીવોમાં ઉંદર, ગીની પીગ, દેડકા વગેરે મુખ્ય છે. કેન્સર જેવા દુઃસાધ્ય રોગોના સંશોધન માટે અમુક પ્રાણીઓને નછૂટકે મારવા પડે તે સમજી શકાય, પરંતુ તબીબી સંશોધન/clinical trials ના નામે જનાવરોને બદલે માણસો પર ટ્રાયલ એન્ડ એરરના ધોરણે વિવિધ અખતરા થાય અને વળી પ્રયોગો દરમ્યાન   ક્યારેક તેમનો ભોગ પણ લેવાય તે સામાન્ય વ્યક્તિ માટે સમજ બહારની વાત છે. અલબત્ત, આવી માલપ્રેક્ટિસ ખુફિયા ઢબે વર્ષોથી ચાલે છે. કોઇ દેશની સરકાર તેના પર સંપૂર્ણપણે અંકૂશ લાદી નથી શકી, જેના નતીજારૂપે જગતમાં વર્ષેદહાડે હજારો જણા તબીબી સંશોધનનો શિકાર બની ભૂંડા મોતના હવાલે થાય છે.

નવી દવાઓની દર્દીના શરીર પર થતી સારીનરસી ઇફેક્ટની ચકાસણી માટે વિવિધ દેશોમાં હાલ બધું મળીને ૧,૩૩,૨૨૦ પ્રયોગો થઇ રહ્યા છે. સૌથી વધુ ૬૪,૧૬૭ પ્રયોગો અમેરિકામાં ચાલે છે. અહીં જો કે ભારતની જ વાત કરીએ, જ્યાં તબીબી સંશોધન/clinical trials નું બજાર છેલ્લાં પાંચેક વર્ષમાં એકધારું વધતું રહી આજે રૂા.૮,૦૦૦ કરોડના આંકડે પહોંચ્યું છે. નવી દવાઓના તબીબી સંશોધન માટે આપણે ત્યાં ૨,૦૫૯ જેટલા પ્રયોગો વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હાથ ધર્યા છે. આ બધા પ્રયોગો અબોલ પ્રાણીઓ સુધી મર્યાદિત હોત તો ઠીક, પણ ઘણા કેસમાં દવાના અખતરા કેન્સર પેશન્ટો પર, માનસિક વિકલાંગો પર, હાર્ટ પેશન્ટો પર તેમજ ગરીબ દર્દીઓ પર કરવામાં આવી રહ્યા છે. યાદ રહે કે ભારતની ૩૫ ટકા પ્રજા હજી પણ ગરીબી રેખા નીચે જીવે છે, જ્યારે દેશની ફક્ત ૨૦ ટકા પ્રજાએ તબીબી સારવાર માટે વીમો કઢાવ્યો છે. સારવારનો ખર્ચ ન વેઠી શકતા દર્દીઓને વિવિધ શહેરોમાંથી શોધી કાઢી તેમની સારવારનો તમામ ખર્ચ ફાર્મા કંપની ઉપાડી લે છે. ટ્રીટમેન્ટના નામે આવા  દર્દીને ઘણું કરીને તો એ જ દવાઓ આપવામાં આવે કે જેના માટે ફાર્મા કંપનીના નિષ્ણાતો રિસર્ચ કરવા માગતા હોય. દવાઓના ડોઝ વિવિધ માત્રામાં અપાય છે અને પછી તે ડોઝની શરીર પર અસર યા આડઅસર નિષ્ણાતો દ્વારા ચકાસવામાં આવે છે. બારીક અવલોકનોના આધારે નિષ્ણાતો દવામાં જરૂરી ફેરફાર આણતા રહે અને નવો તૈયાર કરાયેલો ડોઝ વળી પાછા દર્દી પર અજમાવી જુએ.

આ જાતનું ઊંટવૈદું કેટલોક વખત ચાલે, જેના અંતે તૈયાર થયેલી દવા માર્કેટ માટે સેઇફ ગણાય છે. અર્થાત ફાર્મા કંપની કોઇ પણ જાતના જોખમ વિના તેને બજારમાં વેચાતી મૂકી શકે છે. બીજી તરફ પરીક્ષણ દરમ્યાન પ્રયોગશાળાના દેડકાનો રોલ ભજવનાર દર્દીને આવું ઊંટવૈદું ક્યારેક ભારે પડે છે, કેમ કે દવાનું રિએક્શન તેણે શારીરિક યા માનસિક યાતનાઓ ભોગવીને વેઠ્યું હોય એ બનવાજોગ છે. સમયસર યોગ્ય સારવારના અભાવે ક્યારેક પરિણામ ઘાતક નીવડે એવું પણ બને ! છેલ્લાં ત્રણેક વર્ષ દરમ્યાન ભારતમાં કુલ ૧,૭૪૩ દર્દીઓ clinical trialsદરમ્યાન માર્યા ગયા છે. 
આવા હતભાગીઓની સંખ્યા આગામી વર્ષોમાં હજી વધે તો નવાઇ નહિ, કારણ કે અમેરિકાની સેંકડો ફાર્મા કંપનીઓ તેમની નવી દવાઓનું તબીબી સંશોધન આપણે ત્યાં આઉટસો‌‌રસ‌‌િંગના ધોરણે ચલાવી રહી છે; એટલા માટે કે અમેરિકાની તુલનાએ ભારત clinical trials નું સોંધું ‘બજાર’ છે. એકાદ નવી દવાને clinical trials હેઠળ ચકાસવાનો ખર્ચ અમેરિકામાં ૨૦,૦૦૦ ડોલરથી ઓછો નથી, જ્યારે ભારતમાં એ જ કામ ૨,૦૦૦ ડોલરમાં પાર પડે છે. વળી મફત સારવાર માટે કે પછી મુઠ્ઠીભર પૈસા માટે પોતાના શરીરને clinical trials માટે તબીબોના હાથમાં સોંપી દેનાર સ્વૈચ્છિકોનો ભારતમાં તોટો નથી. (ભારતમાં આવા ૧,૫૦,૦૦૦ સ્વૈચ્છિકો છે). ફાર્મા કંપનીઓ એ વાતનો ફાયદો ઉઠાવીને પોતાના અમાનુષી પ્રયોગો પાર પાડે છે--અને ખેદની વાત તો એ કે આવા પ્રપ્રયોગોને વાજબી ઠરાવા માટે વિજ્ઞાનનું નામ વટાવી ખાવામાં આવે છે

No comments:

Post a Comment